

૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક મેગા કરિયર ગાઈડન્સ સેમિનાર
શ્રી પટેલ સેવા સમાજ- રાજકોટ દ્વારા ૧૨ સાયન્સના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક મેગા કરિયર ગાઈડન્સ સેમિનાર યોજાઈ ગયો
એ તથા બી ગ્રુપ એમ બે સેશનમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાભ લીધો
તા.૯/૪/૨૫ ના રોજ શ્રી પટેલ સેવા સમાજ – રાજકોટ દ્વારા સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે આવેલા એજ્યુકેશનલ ઓડિટોરિયમમાં “ધો. ૧૨ સાયન્સ એ એન્ડ બી ગ્રુપ પછી શું ?” સેમિનાર બે અલગ અલગ સેશનમાં યોજાઈ ગયો. પ્રથમ સેશનમાં ગુજરાતના ખ્યાતનામ કરિયર કાઉન્સેલર તેમજ મોટીવેશનલ સ્પીકર સનત કુમાર પોપટ દ્વારા “ધો. ૧૨ સાયન્સ એ ગ્રુપ પછી શું ?” સેમિનારમાં ઇન્સ્પાયરીંગ સેશનની સાથે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતી એન્જિનિયરિંગ બ્રાન્ચીસ તેમજ અન્ય અઢળક અભ્યાસક્રમોની માહિતી, આધુનિક ટેકનોલોજીના યુગમાં ફ્યુચર ડિમાન્ડિંગ કરિયર ફિલ્ડ્સ, કોલેજ સિલેક્શન માટે ધ્યાનમાં રાખવાની બાબતો, ACPC એડમિશન પ્રોસેસ, વિભિન્ન સ્કોલરશીપ્સ, એજ્યુકેશન લૉનની માહિતી, IIT, IIIT, NIT, GFTI જેવી સંસ્થાઓમાં પ્રવેશ અંગેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. જ્યારે દ્વિતીય સેશન “ધો. ૧૨ સાયન્સ બી ગ્રુપ પછી શું ?”
સેમિનારમાં NEET ના માર્કસ ઉપર આધારિત ગુજરાતમાં મેડિકલ એડમિશન પ્રોસેસ, NMC તથા WHO ગાઈડ લાઈન મુજબ કોલેજની પસંદગી, અન્ય રાજ્યોમાં MBBS પ્રવેશ પદ્ધતિ, વિદેશમાં MBBS નો અભ્યાસ કરવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો, મેડિકલ ઉપરાંત પેરા મેડિકલ તથા ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અન્ય અઢળક અભ્યાસક્રમોની માહિતી તથા વિભિન્ન સ્કોલરશીપ્સ, સરકારી સહાય-યોજનાઓ, એજ્યુકેશન લોન મેળવવાની પ્રક્રિયા વગેરે જેવી તમામ બાબતો વિશેની ઊંડાણપૂર્વકની માહિતી તજજ્ઞ શ્રી ધવલભાઈ ઠેસીયા તેમજ સનત કુમાર પોપટ દ્વારા આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે વન ટુ વન કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવ્યું હતું. સમગ્ર સેમિનાર દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓનો સુંદર પ્રતિસાદ સાંપડ્યો.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ શ્રી અરવિંદભાઇ પટેલ (ફિલ્ડમાર્શલ) ના માર્ગદર્શન હેઠળ યુવા સંગઠન પ્રમુખ શ્રી ડેનિશભાઈ કાલરીયા, મહિલા સંગઠન પ્રમુખ શ્રીમતી કિરણબેન માંકડિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિનુભાઇ ઇસોટીયા, શિક્ષણવિદ ડો. ધીમંતભાઈ ભેંસદડિયા તથા શ્રી પટેલ સેવા સમાજની સમગ્ર સંગઠન ટીમના સર્વે સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.


